Total Pageviews

Thursday, June 2, 2011

જીવનભરના તોફાન ખાળી રહ્યો છું, ફકત એના મોઘમ ઈશારે ઈશારે.
ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતિક્ષા કિનારે કિનારે.

અહીં દુખની દુનિયામાં એક રંગ જોયો, ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે.
સુજનની કબર કે ગુનેગારની હો, છે સરખી ઉદાસી મઝારે મઝારે.

હૃદય મારું વ્યાપક, નજર મારી સુંદર, કલા મારી મોહક વિચારે વિચારે.
નથી આભને પણ કશી જાણ એની, કે મેં ચાંદ જોયા સિતારે સિતારે.

અમારા બધાં સુખ અને દુખની વચ્ચે, સમયના વિના કંઈ તફાવત ન જોયો.
બધીયે મજા હતી રાતે રાતે, ને સંતાપ એનો સવારે સવારે.

નથી ઝંખના મારી ગમતી જો તમને, તો એનું નિવારણ તમારું મિલન છે.
તમે આમ અવગણના કરતા જશો તો, થતી રહેશે ઈચ્છા વધારે વધારે.

અમસ્તો અમસ્તો હતો પ્રશ્ન મારો, હકીકતમાં કોની છે સાચી બુલંદી.
જવાબ એનો દેવા ઊઠી આંગળીઓ, તમારી દિશામાં મિનારે મિનારે.

જગતમાં છે લ્હાવા કદમ પર કદમ પર, ફક્ત એક શરત છે ગતિમાન રહેવું.
નવા છે મુસાફર વિસામે વિસામે, નવી સગવડો છે ઉતારે ઉતારે.

મરણ કે જીવન હો એ બન્ને સ્થિતિમાં, ‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે.
જનાજો જશે તો જશે કાંધે કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે.

– ‘મરીઝ’

Monday, May 23, 2011

વાત માંડી છે હજુ, અંજામ લઈને આવ મા,
જીતવા તો દે મને, ઈનામ લઈને આવ મા;

આ નગરની હર ગલી શોખીન સન્નાટાની છે,
શબ્દને તું આમ ખુલ્લેઆમ લઈને આવ મા;
...
ક્યાંય સુકાયા નથી કોઈ આંખના દરિયા હજુ,
હોઠ પર "શ્રી રામ" કે "ઈસ્લામ" લઈને આવ મા;

જીન્દગી આખી વીતાવી ભૂલવામાં જેમને,
એમની તસ્વીર, એનું નામ લઈને આવ મા;

હું હળાહળ ઝેરને પીવા મથું છું ક્યારનો,
દોસ્ત, અત્યારે છલકતો જામ લઈને આવ મા.

Thursday, April 7, 2011

બાગમાં ક્યાં હવે ફરે છે સનમ વેબસાઇટ ઉપર મળે છે સનમ ફ્લોપિ ડિસ્ક જેવો આ ચહેરો તારો અન્ય ઉપમા તો ક્યાં જડે છે સનમ મૅમરીમાં ય હું સચવાયો નહીંતું મને સૅઇવ ક્યાં કરે છે સનમ ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુની પાછળ ડૉટ થઈને તું ઝળહળે છે સનમ આ હથેળીના બ્લૅંક બૉર્ડ ઉપર સ્પર્શની કી જ ક્યાં મળે છે સનમ શી ખબર કઈ રીતે ડીકોડ કરું સિલિકોન ચિપ કશું કહે છે સનમ ક્યાં છે રોમાંચ તારા અક્ષરનો ફક્ત ઇ- મેઇલ મોકલે છે સનમ દિલની ધડકન છે સૉફ્ટવેર હવે એને ગ્રૅફિકમાં ચીતરે છે સનમ લાગણી પ્રૉગ્રામ્ડ થઈ ગઈ છે ઍંટર ઍક્ઝિટ ફક્ત કરે છે સનમ આંખ મારી આ થઈ ગઈ માઉસ કિંતુ વિંડો તો ક્યાં ખૂલે છે સનમ

Wednesday, February 9, 2011

નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે,
રડી લઉં છું, મને જ્યારે હૃદય પર ભાર લાગે છે.

દિવસ તો જિંદગીના આંખ મીચીને કપાયા પણ,
ઉઘાડી આંખથી રાતો કપાતાં વાર લાગે છે.

મને બેસી જવા કહે છે, ઊઠે છે દર્દ જ્યાં દિલમાં,
હૃદયમાં દર્દ-રૂપે દર્દનો દેનાર લાગે છે.

હૃદયની આશને ઓ તોડનારા ! આટલું સાંભળ,
કમળ આ માનસરમાં ફક્ત એક જ વાર લાગે છે.

રુદનની ભીખ માગે છે પ્રસંગો જિંદગાનીના,
કરું છું દાન તેને જે મને હકદાર લાગે છે.

સનાતન રૂપ મારી કલ્પનામાં પણ નહીં આવ્યું,
જીવન કવિતા ! મને તું બુદ્ધિનો વ્યાપાર લાગે છે.

‘ગની’ વીતેલ જીવનનાં સ્મરણ તાજાં થયાં આજે,
ફરી ખખડાવતું કોઈ હૃદયનાં દ્વાર લાગે છે.

- ‘ગની’ દહીંવાલા

Wednesday, January 19, 2011

છો વેદ વાંચનારાને માનહાનિ લાગે
પ્રસ્વેદ પાડનારા અમને તો જ્ઞાની લાગે

મન સાફ હોય ત્યારે દુનિયા મજાની લાગે
આનન્દ ઉચ્ચ લાગે પીડા મજાની લાગે

પોણા છ ફૂટની કાયા નહિંતર તો નાની લાગે
પડછાયા લઈ ફરો તો તંગી જગાની લાગે

બાળકને આખી દુનિયા બસ એકલાની લાગે
ખોટું છે એ સમજતાં એક જિંદગાની લાગે

ક્યારેક ચાલી ચાલી તારા સુધી ન પહોંચું
ક્યારેક ઠોકરો પણ તારી નિશાની લાગે

– રઈશ મનીયાર

Sunday, November 14, 2010

ખરી કસોટી હજી પણ થવાની બાકી છે.
હજી વધારે તને ચાહવાની બાકી છે

સતત સ્મરણમાં તને રાખવાની બાકી છે
ને એ રીતે જ ઘડી ભૂલવાની બાકી છે.

ગયા પછી તું ફરી આવવાની બાકી છે
હજી ઘણીયે ક્ષણો જીવવાની બાકી છે.

વધારે એથી સરસ કોઈ હિંચકો ક્યાં છે ?
તું મારા હાથ ઉપર ઝૂલવાની બાકી છે.

અનંત આપણા વચ્ચેની વારતા ચાલી
અને એ કારણે સંભારવાની બાકી છે.

સમાઈ જાઉં છું તારી જ બેઉ આંખોમાં
નહીં તો જાતને દફનાવવાની બાકી છે.

- ભરત વિંઝુડા

Tuesday, November 9, 2010

એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે.
ચોખા ને મગના બે દાણા હતા ને? હવે ચાંચમાંથી એ પણ છીનવાઈ ગયા છે.

કોમ્પ્યુટર, મોબાઈલ, ટીવી, છે સોંઘા પણ એની રંધાય નહીં ખીચડી
ચકી ને ચકાના જીવન પર ત્રાટકી છે મોંઘવારી નામે એક વીજળી,
ફાઈવસ્ટાર મોલના ફાલેલા જંગલમાં નાનકડા સપના ખોવાઈ ગયા છે,
એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે.

મીનરલ વૉટરથી તો સસ્તા છે આંસૂ, ને મીઠી પણ લાગશે રસોઈ,
ખાંડ માટે ટળવળતી કીડીની પાસે જઈ આટલું તો સમજાવો કોઈ,
લાગે છે શેરડીના આખ્ખાયે વાઢને લુચ્ચા શિયાળીયા ખાઈ ગયા છે.
એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે.

ચકી ને ચકો ક્યે જુઓ સાહેબ હવે બોલાતું કેમ નથી, ચીં ચીં?
એવું તે શું છે આ કંઠમાં તે લાગે છે મારે છે ડંખ જેમ વીંછી,
એક્સરેમાં જોઈ અને ડૉક્ટર બોલ્યા કે ઘણા ડૂમા ગળામાં અટવાઈ ગયા છે.
એક ચકી ને ચકો મુંઝાઈ ગયા છે.

- કૃષ્ણ દવે