Total Pageviews

Monday, October 18, 2010

તમે બધાથી અલગ છો તેથી તમારું નોખું હું ધ્યાન રાખું.
ગુલાબ લઈને તમે મળો તો મ્હેકની લ્યો દુકાન રાખું.

કશુંક આજે કરી જવું છે, કદાચ કાલે જવાનું થાશે,
તમારા ઘરના દિવાને માટે, હવાને આજે હું બાન રાખું.

ગયું ક્યાં પંખી મૂકીને ટહુકો, હજીય ડાળી ઝુલી રહી છે,
મને થયું કે આ પાનખરમાં, બને તો થોડાં હું પાન રાખું.

તમે અહીંયા સૂરજ સમા છો, જશો ના આઘા, ઠરી જઈશ હું,
મને આ જળથી વરાળ કરજો, હું જેથી બાજુમાં સ્થાન રાખું.

પ્રસંગ મારી દિવાનગીનો, હું રોજ ઉજવું છું ધામધુમથી,
દરેક દર્દોને આવકારી, ગઝલમાં પીડાનું ગાન રાખું.

હું કૈંક યુગોથી છું સફરમાં, અહીં હું કેવળ પડાવ પર છું.
મેં ખોળિયાને કહી દીધું છે, હું તારું ભાડે મકાન રાખું.

- ગૌરાંગ ઠાકર

Sunday, October 17, 2010

જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો,
ફૂલની શૈયા ગણી અંગાર પર હસતો રહ્યો.
ઓ મુસીબત ! ઍટલી ઝીંદાદિલી ને દાદ દે;
તેં ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો.

કોઈના ઈકરાર ને ઈન્કાર પર હસતો રહ્યો,
જે મળ્યો આધાર ઍ આધાર પર હસતો રહ્યો.
કોઈની મહેફિલ મહીં થોડા ખુશામદખોરમાં
ના સ્વીકાર્યુ સ્થાન,ને પગથાર પર હસતો રહ્યો.


ફૂલ આપ્યા ને મળ્યા પથ્થર કદી,તો તેનેય પણ,
પ્રેમથી પારસ ગણી દાતાર પર હસતો રહ્યો.
જીવતો દાટી કબરમાં ઍ પછી રડતાં રહ્યા,
હું કબરમાં પણ કરેલા પ્યાર પર હસતો રહ્યો।

નાવ જે મજધાર પર છોડી મને ચાલી ગઈ,
ઍ કિનારે જઈ ડૂબી,હું ધાર પર હસતો રહ્યો.
ભોમિયાને પારકો આધાર લેતો જોઈને,
દૂર જઈ ઍ પાંગળી વણઝાર પર હસતો રહ્યો..........................